Hindi Day
14 મી સપ્ટેમ્બર 1949 ના દિવસથી હિન્દી ભાષાને બંધારણ દ્વારા રાષ્ટ્રભાષા તરીકેનું સ્થાન મળ્યું છે. સમગ્ર દેશમાં દર વર્ષે 14મી સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે ઊજવવામાં આવે છે. અમારી સંસ્થામાં પણ હિન્દી દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રાર્થનાખંડ તેમજ વર્ગખંડ વિશેષ રીતે સુશોભિત કરવામાં આવે છે. બ્લેકબોર્ડ તેમજ દીવાલો પર હિન્દી ભાષાને લગતાં સૂત્રો તેમજ હિન્દી સાહિત્યકારોના ફોટા લગાવવામાં આવે છે. આ દિવસે હિન્દી વિષય પદ્ધતિના તાલીમાર્થીઓ તેમજ અન્ય વિષય પદ્ધતિના તાલીમાર્થીઓ “હિન્દી દિવસ”ની ઉજવણી માટે ઉત્સાહભેર ભાગ લેતાં હોય છે. આ દિવસે સંપૂર્ણ પ્રાર્થના કાર્યક્રમ હિન્દી માધ્યમમાં થાય છે. હિન્દી ભાષાના ગીતો, હિન્દીમાં દોહાઓ, હિન્દી ભજનો, હિન્દી ભાષાના મહાન સાહિત્યકારોના વિચારો, હિન્દી ભાષાનું મહત્વ વગેરે વિશે તાલીમાર્થીઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવે છે. આ દિવસે સમાચાર પણ હિન્દી ભાષાના માધ્યમથી રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય જ્ઞાનની ચકાસણી કરતા પ્રશ્નો પણ હિન્દી ભાષાને સંબંધિત રજૂ કરવામાં આવે છે. જેમાં હિન્દી ભાષાનો ઉદભવ,હિન્દીનું દેશ તથા વિદેશમાં મહત્વ વગેરે વિશે વિસ્તૃત માહિતી પિરસવામાં આવે છે. અધ્યાપકો પણ આ દિવસે પોતાના વક્તવ્યો આપે છે.