Curricular Activities
- પ્રાયોગિક પાઠ
વર્ષ દરમ્યાન તાલીમાર્થીઓને સેમેસ્ટર ૧ માં ૫૦ ગુણના માઈક્રો લેસન, ૫૦ ગુણના સિમ્યુલેસન અને ૫૦ ગુણના સ્ટ્રે લેસન આપવાના હોય છે., સેમેસ્ટર – ૨ માં ૧૦૦ ગુણના ૧૦ લેસન માટે બ્લોક ટીચિંગમાં જવાનું હોય છે. આમ કુલ ૨૫૦ ગુણના લેસન આપવાના હોય છે. આ પાઠ અધ્યાપકના માર્ગદર્શન નીચે અને અન્ય તાલીમાર્થીઓના નિરીક્ષણ હેઠળ આપવાના હોય છે. શરૂઆતના તબક્કે કોલેજ માં જ નાના નાના જૂથોમાં તાલીમાર્થીઓને વિભાજીત કરી પાઠ આપવામાં આવે છે ત્યાર બાદ જે તે શાળામાં પાઠ આપવા લઇ જવામાં આવે છે.
- વ્યક્તિ અભ્યાસ
શિક્ષક બનવા જઈ રહેલ તાલીમાર્થીઓ એ અંતે વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાઓમાં કામ કરવાનું હોય છે. અહીં વ્યક્તિ તેમજ સ્થળનો કેવી રીતે અભ્યાસ કરવો તેની સમજ આપવામાં આવે છે. વ્યક્તિ અભ્યાસ દરમ્યાન વ્યક્તિ કે સંસ્થા વિષે ઊંડી અને વિગતપૂર્ણ માહિતી એકત્ર કરવી જરૂરી છે. આવી માહિતીને આધારે જ વ્યક્તિની સમસ્યા કે વિશેષતાનું નિદાન થઇ શકે છે. બી. એડ. અભ્યાસક્રમમાં વિશિષ્ટ બાળકોનો વ્યક્તિ અભ્યાસ કરવાનો હોય છે, એ માટે તેમણે વ્યક્તિ અભ્યાસની સંકલ્પના, સોપાનો, ઉદાહરણો અને લાભ જેવી બાબતો સમજવી જરૂરી છે.
- વિષયવસ્તુ પૃથક્કરણ
તાલીમાર્થી ભાવિ શિક્ષક છે. તેમણે સમાજ ને પ્રશિક્ષિત કરવાનો છે. રોજેરોજ બનતી ઘટનાઓ કે પ્રસંગ વિશેનો ઉલ્લેખ વર્તમાનપત્ર કે સામાયિકોમાં સમાચાર, તંત્રીલેખ કે લેખ સ્વરૂપે પ્રકટ થતો હોય છે. આ સમાચાર કે ઘટનાઓનો સારાંશ વિદ્યાર્થીઓને સમજાવવો તે શિક્ષકની ફરજ છે. આથી વિષયવસ્તુ પૃથક્કરણમાં માધ્યમોમાં પ્રકાશિત કે પ્રસારિત થતી સામગ્રીનું વિશ્લેષણ તાલીમાર્થીઓએ શીખવાનું છે.
- નાટક / શેરી નાટક કે એકપાત્રીય અભિનયની સ્ક્રીપ્ટ લેખન
તાલીમાર્થી શિક્ષક તરીકે કાર્યરત થાય ત્યારે વિદ્યાર્થીઓ સમક્ષ તેણે જુદા જુદા ભાષા સ્વરૂપોના માધ્યમથી વિષય વસ્તુને રજૂ કરવી જોઈએ. રજૂઆતનું વૈવિધ્ય હોય તો વિદ્યાર્થીઓ અધ્યયન રસ પૂર્વક કરે છે. પુસ્તકમાં રજૂ થયેલી ભાષા કરતા વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવાની ભાષા જો બાળકોને પ્રિય એવા નાટક, શેરી નાટક, કે એકપાત્રીય અભિનયના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તો વિષય વસ્તુ વધુ ગ્રહણશીલ બને છે.
- સંસ્થા મુલાકાત
શિક્ષક એ જાહેર જીવનનો જીવંત હિસ્સો છે. સમાજમાં સ્થાપિત વિવિધ સંસ્થાઓ વિષે જાણે અને સમજે તે હેતુથી અભ્યાસકાળ દરમ્યાન તેને જુદી જુદી સામાજિક સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવે છે. મોટે ભાગે આવી સંસ્થાઓમાં ગાંધી આશ્રમ, વૃદ્ધાશ્રમ, અંધંજન મંડળ, મૂક-બધિર શાળા વગરેનો સમાવેશ કરવામાં આવે છે. આ મુલાકાત થકી તેઓ એક શિક્ષકની સામાજિક જવાબદારીઓ વિષે સમજી શકે છે.
- સામાજિક જૂથ અભ્યાસ
સમાજમાં વ્યક્તિ એકલો કાર્ય કરી શકતો નથી, પરંતુ સામૂહિક રીતે કોઈ નિશ્ચિત ઉદ્દેશ્ય સાથે કાર્ય કરે તો સફળતા તેમજ સંતોષ બંને મળે છે. સમાજમાં જુદા જુદા ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ અને વર્ગના સમુદાયોનું અસ્તિત્વ હોય છે. પરંતુ કેટલાક સામાજિક જૂથોની રચના કોઈ ચોક્કસ હેતુ સાથે થતી હોય છે. ઘણીવાર સેવાભાવી સંસ્થાઓ એટલે કે, એન.જી.ઓ. જેવી કે સેવા, કરુણા ટ્રસ્ટ, અક્ષય પાત્ર જેવી સંસ્થાઓનું પ્રદાન સમાજમાં વિશેષ હોય છે. શિક્ષણ વ્યવસ્થાઓમાં આવા સામાજિક જૂથો ઘણી રીતે મદદરૂપ થતા હોય છે. આથી આવા સામાજિક જૂથોનો અભ્યાસ દરેક કરે તે જરૂરી છે.
- લલિત કળા
તાલીમાર્થીઓ પરફોર્મિંગઆર્ટ માંથી ગાયન, વાદન, નૃત્ય, નાટ્ય, ચિત્ર, નૃત્યકલા, કોલાજ જેવી પ્રવૃત્તિઓથી પરિચિત થાય તો વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર સહેલાઇથી અને અસરકારક રીતે કરી શકે છે. આ હેતુ થી ફાઉન્ડેશન કોર્સ તરીકે લલિત કળા અંતર્ગત સંસ્થા દ્વારા અઠવાડિયાના વર્કશોપના માધ્યમથી તાલીમાર્થીઓને વિવિધ સ્વરૂપોથી માહિતગાર કરી કોઈ પણ બે પ્રવૃત્તિમાં ભાગ લે તેવું આયોજન કરવાનું હોય છે.
- અધ્યાપન વ્યૂહરચના
શિક્ષક બનવા માટે અધ્યાપનની વિવિધ પ્રયુક્તિઓથી તાલીમાર્થીઓ માહિતગાર થાય તે જરૂરી છે. જે તે વિષય માટેની વિષય પદ્ધતિ ઉપરાંત અધ્યાપન વ્યૂહરચનાઓ તાલીમાંર્થીઓએ સમજાવી જરૂરી છે. આ અધ્યાપન વ્યૂહરચનાઓમાં સેમીનાર, વર્કશોપ, પેનલ ચર્ચા, નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ, ટીમ ટીચિંગ, તુલનાત્મક પદ્ધતિ, ઉકેલ પદ્ધતિ, ટ્યુટોરિઅલ, પદ્ધતિ જૂથ ચર્ચા, બ્રેઈન સ્ટોર્મીંગ આઈસ બ્રેકીંગ, બઝ, સિમ્પોઝીયમ પિયર લર્નિંગ સ્વાધ્યાય પદ્ધતિનો સમાવેશ થાય છે. જુદી જુદી વ્યૂહરચનાઓને ઉપયોગમાં લેવાથી તાલીમાર્થીઓની શૈક્ષણિક સામેલગીરીમાં વધારો થાય છે.
- મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન
મનોવૈજ્ઞાનિક કસોટી એટલે વ્યક્તિના વર્તનના નમૂનાનું અનાત્મલક્ષી અને પ્રમાણિત માપન. શિક્ષકોને મનોવૈજ્ઞાનિક કસોટી વર્ગખંડમાં ઘણીબધી રીતે ઉપોગી બની રહે છે. વિદ્યાર્થીઓની બુદ્ધિ તથા અન્ય શક્તિઓને જાણી શકાય છે. વિદ્યાર્થીઓના રસના ક્ષેત્રો જાણી તેને યોગ્ય પ્રવૃત્તિ આપી શકાય છે. તેની અભિયોગ્યતા મુજબનો વ્યવસાય જાણવા ઉપયોગી બને છે.
- ગ્રંથ સમીક્ષા
તાલીમાર્થી પુસ્તકના બાહ્ય સ્વરૂપને જ નહિ પણ પુસ્તકમાં રહેલી આંતરિક બાબતો, તેના સાહિત્ય સ્વરૂપને અને તે પુસ્તકનું હાર્દ સમજે તે હેતુથી ગ્રંથ સમીક્ષા કાર્ય કરવાનું હોય છે. ગ્રંથ સમીક્ષા કાર્યમાં પુસ્તકના બાહ્ય લક્ષણો જેવા કે પુસ્તકનું નામ, લેખકનું નામ, કિંમત, તારીખ, આવૃત્તિ વગેરે બાબતો જોવાની હોય છે. પુસ્તકના આંતરિક લક્ષણોમાં અક્ષરોનું કદ, પ્રકરણ રચના, વિષય વસ્તુ જેવી બાબતોનો અભ્યાસ કરવાનો હોય છે.
- ક્રિયાત્મક સંશોધન
શિક્ષક્ને શિક્ષણ કાર્ય કરતી વખતે નાની નાની અનેક સમસ્યાઓ ઉભી થતી હોય છે. આવી રોજબરોજની સમસ્યાઓ ઉકેલવા માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવે છે. સામાન્ય રીતે આવો ખ્યાલ પ્રવર્તે છે કે, સંશોધનનું કામ નિષ્ણાતોનું જ છે. સામાન્ય શિક્ષક્નુ ગજું નહિ પરંતુ શિક્ષણમાં કબાટો શોભાવે તેવા સંશોધનોની જરૂર નથી, પરંતુ શાળા સંચાલન અને વર્ગ શિક્ષણ સુધરે તેવા સંશોધનોની જરૂર છે. આવા હેતુથી તાલીમાર્થીઓને ક્રિયાત્મક સંશોધન શીખવવામાં આવે છે.
- ઇન્ટર્નશીપ
તાલીમાંર્થીઓએ બી.એડ અભ્યાસક્રમ દરમ્યાન બે તબક્કામાં ઇન્ટર્નશીપમાં જવાનું હોય છે. ત્રીજા સેમેસ્ટરમાં ૧૧ અઠવાડિયા માટે પ્રાથમિક શાળામાં તથા ચોથા સેમેસ્ટરમાં ૪ અઠવાડિયા માટે માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઇન્ટર્નશીપ માટે જવાનું હોય છે. શાળાજીવનમાં અભ્યાસક અને સહાભ્યાસક પ્રવૃત્તિઓથી વાકેફ થાય અને તેનું પાલન કરે તે જરૂરી છે. તાલીમાર્થીઓ સૈદ્ધાંતિક જ્ઞાનનો વાસ્તિવક પરિસ્થિતિમાં ઉપયોગ કરે, વિષય વસ્તુનું સ્વતંત્ર રીતે શિક્ષણ કાર્ય કરે, નિરીક્ષણ કરે, શાળામાં રહેલા વિવિધ પત્રકોનો અભ્યાસ કરે અને તેનું મહત્વ સમજે, તેમજ શાલેય વાતાવરણનો પ્રત્યક્ષ અનુભવ કરે તેવા હેતુથી તાલીમાર્થીઓને ઇન્ટર્નશીપમાં મોકલવામાં આવે છે.
- રમતગમત અને યોગ
શિક્ષક તરીકે વિદ્યાર્થીઓઓને રમાડી શકાય તેવી રમતો અને તેના નિયમોની જાણકારી હોવી જરૂરી છે. આથી તાલીમાર્થીઓને બી. એડ અભ્યાસક્રમ દરમ્યાન ત્રીજા સેમેસ્ટરમાં ફાઉન્ડેશન કોર્સ તરીકે રમત-ગમતનો પરિચય અને અનુભવ પુરા પાડવાનું આયોજન કરવામાં આવે છે. રમત-ગમતમાં સાંઘિક તેમજ વ્યક્તિગત રમતોનું આયોજન કરવામાં આવે છે. તાલીમાર્થી બંને પ્રકારની રમતોમાં ભાગ લે તે જરુરી છે.
સમગ્ર વિશ્વે ભારતની પહેલને કારણે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી તેના મહત્વ ને સ્વીકાર્યું છે. આથી ગુજરાત યુનિવર્સીટી દ્વારા બી.એડ. અભ્યાસક્રમના ત્રીજા સેમેસ્ટરમાં ફાઉંન્ડેશન કોર્સ તરીકે યોગનો સમાવેશ કર્યો છે. જુદાજુદા યોગસનોથી વિદ્યાર્થી શારીરિક રીતે ચુસ્ત બનવાની સાથે અભ્યાસ માટે પણ તત્પર બને છે. સંસ્થાઓએ તાલીમાર્થીઓને જુદા જુદા આસનોની સૈદ્ધાંતિક સમજ સાથે સાથે પ્રાયોગિક મહાવરો કરાવવો જોઈએ.
- શૈક્ષણિક સાધન નિર્માણ
તાલીમાર્થીઓ શાળામાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કાર્ય સરળ બનાવી શકે તે હેતુથી શૈક્ષણિક સાધનનું નિર્માણ કરવાનું હોય છે.શૈક્ષણિક સાધન દ્વારા સરળતાથી શિક્ષણની સંકલ્પના સ્પસ્ટ કરી શકાય છે, શિક્ષકના કથનમાં ઘટાડો કરી શકાય છે, અમૂર્ત ખ્યાલોને મૂર્ત કરી શકાય છે. વળી બાળકની ક્રિયાશીલતામાં પણ વધારો કરી શકાય છે. આમ શૈક્ષણિક સાધન શિક્ષણ પ્રક્રિયામાં ખૂબ ઉપયોગી નીવડે છે. શૈક્ષણિક સાધન તરીકે તાલીમાર્થીઓને ઓ.એચ.પી, એપીડાયોસ્કોપ, સ્લાઈડ પ્રોજેક્ટર, મુવી, કેમેરા, ચાર્ટ-નકશા, મોડેલ વોઈસ રેકોર્ડેર, મલ્ટીમીડિયા, પ્રોજેક્ટર, ટેપરેકોર્ડર, સાહિત્ય જેવા શૈક્ષણિક સાધનો બનાવી શકે છે.
- બ્લ્યૂપ્રિન્ટ
આપણી જરૂરિયાતો સંતોષવા માટે વ્યક્તિ મકાન બનાવતા પહેલા નકશો બનાવતો હોય છે. આ નકશો એટલે બ્લ્યૂપ્રિન્ટ. બ્લ્યૂપ્રિન્ટમાં શૈક્ષણિક હેતુ, પ્રશ્ન પ્રકાર તેમજ વિષય વસ્તુ જેવા ત્રણ પરિમાણોનો સમાવેશ થાય છે. પ્રથમ પરિમાણ શૈક્ષણિક હેતુ જેમાં શિક્ષણના સામાન્ય હેતુઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ હેતુઓ જ્ઞાન, સમજ, ઉપયોગ, કૌશલ્ય, રસ, કદર, વલણ વગરે છે. બીજા પરિમાણ પ્રશ્નના પ્રકારમાં હેતુલક્ષી પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો તેમજ નિબંધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે. ત્રીજું પરિમાણ એટલે વિષય વસ્તુ જેમાં પ્રશ્ન પત્રમાં બધાંજ એકમોનું પ્રમાણ અને ગુણભાર જળવાઈ રહે તે બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. આમ, ૫૦ ગુણના પ્રશ્નપત્ર માટેની બ્લ્યૂપ્રિન્ટ બંને વિષય પદ્ધતિ માં બનાવવાની રહે છે.
- વાઈવા
તાલીમાર્થીઓએ વર્ષ દરમ્યાન કરેલી પ્રવૃત્તિઓના સંદર્ભમાં સેમેસ્ટર ૪ માં રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે. આ મુલાકાતમાં અભ્યાસકાળ દરમ્યાન મળેલ સિદ્ધિ તેમજ આંતરિક પરીક્ષામાં કરેલ દેખાવ અંગે ચર્ચા હાથ ધરવામાં આવે છે. આ સાથે વિષય વસ્તુનું જ્ઞાન પણ ચકાસવામાં આવે છે. ઉપરાંત સહઅભ્યાસક પ્રવૃત્તિઓ, ઈતર પ્રવૃત્તિઓ, પ્રાર્થનાસભામાં કરેલ પ્રવૃત્તિઓ વગેરેની ચર્ચા કરવામાં આવે છે. તાલીમાર્થીઓને યુનિવર્સીટીની પરિક્ષા અને ભાવિ કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.